ચૂકી ગયા હોય તો 2014ની આ 14 - TopicsExpress



          

ચૂકી ગયા હોય તો 2014ની આ 14 ફિલ્મ્સ છે અચૂક માણવા જેવી મુંબઈઃ વર્ષ 2014 પુરુ થવા આડે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે.બોલિવૂડમાં આ વર્ષે ટોચના સ્ટાર્સની મસાલા ફિલ્મ્સ જ આવી છે. સ્ટારડમ અને છબિ જાળવી રાખવા માટે દિગ્ગજ સ્ટાર્સ બોક્સ ઓફિસ સામે નતમસ્તક છે.જ્યારે સ્થાપિત નિર્દેશકોની પણ આ જ સ્થિતિ રહી છે. જોકે આમ છતાં આ વર્ષે ઉત્તમ અને ઘણી જ સારી કહી શકાય તે પ્રકારની ફિલ્મ્સ રીલિઝ થઈ છે.જેમાંની થોડી ફિલ્મ્સને સફળતા મળી તો અમુકની સમીક્ષકોએ અને ખાસ વર્ગે જ પ્રશંસા કરી છે.પરંતુ આ 12 મહિનામાં એક બાદ એક સતત રીલિઝ થયેલી ફિલ્મ્સમાં કઈ ફિલ્મે કેટલી કમાણી કરી તે યાદ કરવુ પણ મુશ્કેલ છે પણ આ ફિલ્મ ચોક્કસ યાદ રહી જાય તે પ્રકારની હતી. 1-હૈદર: વિશાલ ભારદ્વાજ નિર્દેશિત આ ફિલ્મ કાશ્મીરની પૃષ્ઠભૂમિ પર આધારિત હતી.આ ફિલ્મે કેટલાક એવા સવાલો ઉભા કર્યા હતાં, જેના પર ચર્ચા થઈ શકે તેમ છે.આ ફિલ્મ આ વર્ષની વૈચારિક ફિલ્મ છે. ફિલ્મની માવજત પણ ઉચ્ચકક્ષાની હતી. ફિલ્મને લઈ સોશ્યલ મીડિયા પર વિવાદ પણ થઈ ગયો હતો. ફિલ્મની વાર્તા શેક્સપિયરની મહાન કૃતિ હેમ્લેટ પર આધારિત હતી. ફિલ્મમાં તબુ,શાહીદ કપૂર અને કેકે મેનેને શાનદાર અભિનય કર્યો હતો. 2- હાઈવે: ઈમ્તિયાઝ અલી નિર્દેશિત આ ફિલ્મમાં શ્રીમંત પરિવારની એક યુવતીની સ્વતંત્રતા માટે ગુંગળામણને આલિયા ભટ્ટે સ્ક્રિન પર અદભૂત રીતે વ્યક્ત કરી છે.આ ફિલ્મ કોઈ ઉત્તમ સાહિત્યિક કૃતિ જેવી છે.આલિયા ભટ્ટ સાથે મુખ્ય ભૂમિકા નિભાવનારા રણદીપ હુડ્ડાને પણ આ ફિલ્મથી એક નવી જ ઓળખ મળી છે. 3-રંગ રસિયા-કેતન મહેતાની આ ફિલ્મ વિખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માના જીવન પર આધારિત હતી. ફિલ્મના એક એક કળાત્મક દ્રશ્યો અને જરાપણ વલ્ગર ના લાગે તે રીતે નંદના સેનના ન્યૂડ સીન્સથી ફિલ્મ કળાના નમૂનારૂપ છે.લાંબા સમય સુધી ડબ્બામાં રહ્યા બાદ રીલિઝ થયેલી આ ફિલ્મ શુદ્ધ દેશી ફિલ્મ છે. જોકે આ ફિલ્મ કળાના શોખીનોને જ પસંદ આવશે.ફિલ્મ બોક્સ ઓફિસ પર ઠીક ઠીક એવી ચાલી ગઈ હતી.ફિલ્મમાં રણદીપ હુડ્ડાએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. 4-ડેઢ ઈશ્કિયા: અભિષેક ચૌબીની ઈશ્કીયાની સિકવલ એવી આ ફિલ્મ ઉત્તરપ્રદેશની પૃષ્ઠ ભૂમિ પર આધારિત હતી.ફિલ્મમાં ઉર્દુના છુટથી થયેલા ઉપયોગ અને ડાર્ક હ્યુમરને કારણે અચૂક જોવી જોઈએ.તેમાં પણ માધુરી દીક્ષિત, નસીરુદ્દીન શાહ, વિજયરાજ અને અર્શદ વારસીના અભિનયનો લ્હાવો લેવા જેવો ખરો.જોકે આ ફિલ્મ એકદમ ધીમી છે પણ ધીરજ રાખશો તો મજા આવશે. 5-આંખો દેખી: રજત કપૂરની નાના બજેટની આ ફિલ્મ અલગ પ્રકારના વિષયની સાથે સંજય મિશ્રાના અભિનય માટે યાદ રાખવામાં આવશે. રજતે આ ફિલ્મ દ્વારા હિન્દી સિનેમાના પ્રચલિત ગ્રામરને તોડ્યું હતું. 6-ફાઈન્ડીગ ફેન્ની: હોમી અડાજણીયા નિર્દેશિત આ ફિલ્મ આ વર્ષની ઉત્તમ ફિલ્મ્સમાંની એક છે.જો તમને ઓફબીટ સિનેમા પસંદ હોય તો આ ફિલ્મ પણ અચૂક જોવી જોઈએ. ફિલ્મ ગોવાની પૃષ્ઠ ભૂમિ પર આધારિત હતી. ફિલ્મમાં એક કલાકાર અને વિધુરની સંવેદના સાથે યુથફુલ લવસ્ટોરી પણ છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ,અર્જુન કપૂર,નસીરુદ્દીન શાહ,ડિમ્પલ કાપડિયા અને પંકજ કપૂરે જબરદસ્ત અભિનય કર્યો છે. 7-ક્વિન: વિકાસ બહલ નિર્દેશિત આ ફિલ્મ વર્ષના સરપ્રાઈઝ પેકેજ સમાન સાબિત થઈ છે.આ ફિલ્મમાં કંગનાએ નાના શહેરની આત્મ વિશ્વાસુ અને પોતાની શરતે જીવતે યુવતી ભાવનાઓને અભિવ્યક્ત કરી છે.આ ફિલ્મ યુવતીઓ અને કિશોરીઓમાં ખૂબ જ લોકપ્રિય બની હતી અને દર્શકોમાં પણ મોટો ફાળો તેમનો હતો.ફિલ્મમાં કંગના સિવાય રાજ કુમાર રાવ અને લિઝા હેડન પણ મુખ્ય ભૂમિકામાં હતાં. 8-હવા હવાઈ: અમોલ ગુપ્તેએ આ ફિલ્મમાં બાળકોની ભાવનાઓને ખૂબી પૂર્વક સિલ્વર સ્ક્રિન પર મઢી છે. તેમણે ફિલ્મમાં બાળ માનસની આકાંક્ષાઓને આકાશની મોકળાશ આપી છે. લગન અને સમર્પણ કોઈપણ વર્ગનો બાપીકો ઈજારો નથી. સમાન તક મળવા પર સમાજના વંચિતો વર્ગના બાળકો પણ કમાલનું પરિણામ લાવી બતાવે છે. 9-સિટી લાઈટ્સ:હંસલ મહેતાની આ ફિલ્મ ફિલીપીન્સની ફિલ્મની રિમેક હતી. પરંતુ તેમણે તેનું દેશીકરણ કર્યું હતું. રાજ કુમાર રાવ અને પત્રલેખા સ્વભાવિક અભિનય થી આ ફિલ્મને વધુ વાસ્તવવાદી બનાવે છે.જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કંઈ ઉકાળી શકી ન હતીં, પણ એક ચોક્કસ વર્ગને ફિલ્મ બેહદ ગમી હતી. 10-ફિલ્મીસ્તાન: નિતિન કક્કડની આ ફિલ્મ બન્યા બાદ ઘણાં લાંબા સમયે રીલિઝ થઈ.ફિલ્મમાં શારિબ હાશ્મી અને ઈનામુલ હક્કના અભિનયથી આ ફિલ્મમાં ભારત-પાકિસ્તાનના સંબંધોની મજબૂતાઈનું સારી રીતિ ચિત્રણ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં અનેક કટાક્ષ કરતા સંવાદો પણ જોરદાર હતાં.આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી શકી ન હતી. 11-ઝેડ પ્લસ: રામકુમારસિંહે લખેલી અને ચંદ્ર પ્રકાશ દ્વીવેદી નિર્દેશિત આ ફિલ્મ એક રાજકીય વ્યંગ છે.બોલિવૂડમાં આ પ્રકારની ફિલ્મ્સની ખોટ સાલે છે.વાસ્તવિક ચિત્રણ અને દેશી પાત્રોની આ ફિલ્મ વર્તમાન સમયની રાજકીય વિસંગતિને રજૂ કરે છે.આ ફિલ્મની સમીક્ષકોએ બેહદ પ્રશંસા કરી હતી, પણ કમનસીબે દર્શકોએ ફિલ્મને સાથે આપ્યો ન હતો. 12-ભોપાલ: અ પ્રેયર ફોર રેન: રવિ કુમાર નિર્દેશિત આ ફિલ્મ ભોપાલ ગેસ દુર્ઘટના પર આધારિત છે. નિર્દેશકે યુનિયન કાર્બાઈડમાં કામ કરતા શ્રમિકો અને તેમની નિરક્ષરતાનો કઈ રીતે લાભ ઉઠાવવામાં આવે છે તેનું ખૂબી પૂર્વક ચિત્રણ કર્યું છે. આ ફિલ્મ એક ચોક્કસ વર્ગ માટેની ફિલ્મ છે અને સિનેમાઘરમાં પણ એક જ શો કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ અચૂક માણવા જેવી છે. 13-મર્દાની:પ્રદીપ સરકાર નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ યશ રાજ ફિલ્મ્સે કર્યું હતું. આ ફિલ્મ એક મહિલા પ્રધાન ફિલ્મ છે. ફિલ્મમાં રાની મુખર્જીએ એક હિંમતબાજ પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી છે.ફિલ્મ ચાઈલ્ડ ટ્રાફીંગના નેટવર્કને તોડીને બાળકોને બચાવવા માટે કઈ રીતે એક મહિલા અધિકારી મેદાને પડે છે તેની વાત કરવામાં આવી છે. આ ફિલ્મને સમીક્ષકોએ પ્રશંસા કરી હતી અને દર્શકો પણ પ્રમાણમાં સારા મળ્યા હતાં. 14-અગ્લી: અનુરાગ કશ્યપની આ ફિલ્મ સમાજ અને પરિવારના સંબંધોની કાળી બાજુ રજૂ કરતી એક ડાર્ક ફિલ્મ છે. અનુરાગે ફિલ્મ ફિલ્મ દ્વારા જણાવ્યું છે કે, સમયે આપણને એવા સ્વાર્થી બનાવી દીધા છે કે આપણે સંબંધોમાં પણ નૃશંસ થઈ ગયા છીએ. ફિલ્મમાં રોનિત રોયે શાનદાર ભૂમિકા કરી છે.
Posted on: Tue, 06 Jan 2015 06:47:31 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015