પુરુષની અસંવેદનશીલતા - TopicsExpress



          

પુરુષની અસંવેદનશીલતા માટે જવાબદાર કોણ? દિલ કે ઝરોખોં સે - કામિની સંઘવી સમય સમય પર સામાજિક મૂલ્યો બદલાતા રહે છે. પણ પ્રેમ અને લગ્નની વિધિ કે પ્રથામાં પરિવર્તન સમય અને સંજોગો પ્રમાણે આવતું હશે પણ તેને નિભાવવાના પ્રમાણ તો તેના તે જ હોય ને! પછી તે અઢારમી સદી હોય કે એકવીસમી કે ઈસવીસન પૂર્વેની. ઈતિહાસમાં એવા અનેક દાખલા જોવા મળે કે પુરુષ કે સ્ત્રીએ પોતાના પ્રેમ માટે પોતાના પ્રાણની આહુતિ આપી હોય! છતાં પણ પુનર્લગ્ન એ માણસની જરૂરિયાત રહી છે. અમુક ઉંમર પછી માણસની શારીરિક કરતા માનસિક જરૂરિયાત વધુ હોય છે. તેવું વારંવાર કહેવાતું હોય છે. વિધૂર વિવાહની તો આપણે ત્યાં કોઈપણ સદીમાં નવાઈ હતી જ નહીં અને અત્યારે પણ નથી. પણ વિધવા વિવાહની તો કલ્પના કરવી પણ આજથી એકાદ સેન્ચ્યુરી પહેલા પાપ સમાન લેખાતું હતું. આજે એકવીસમી સદીમાં એડ્યુકેટેડ સોસાયટીમાં તે છોછ હવે ઓછો થયો છે અને સ્ત્રી પણ પુર્નલગ્ન કરતી થઈ છે. પણ તે માટે તેનો અભિગમ પોતાના કરતાં બીજાના હિત વિશેનો વધારે હોય છે અથવા તો હજુપણ પુનર્લગ્ન કરવાનું સ્ત્રી ટાળતી આવી છે. કેમ સ્ત્રી પુનર્લગ્ન નથી કરતી? હમણાં એકાદ વર્ષના ગાળામાં આમ તો સરખા પણ આમ જુદાં જુદાં પ્રસંગમાં જવાનું બન્યું. એક નજીકના મિત્રના સગાંના પચાસ વર્ષની ઉંમરના પુરુષની અડતાલીસ પત્નીનું ઓચિંતા ડેન્ગ્યૂ થવાથી મૃત્યુ થયું. મોત એટલું અચાનક કે અણધાર્યું હતું કે ઘરના જ નહીં કુટુંબના સગાં-વહાલાંમાં પણ શોક વ્યાપી ગયો. માત્ર ચાર દિવસની બીમારી અને પછી કેસ ખલાસ. બ્રેઈન ડેડ મોત હતું એટલે પત્નીના લીવર/કીડની અને આંખ પતિએ મન મોટું કરીને ડોનેટ કર્યા. પુરુષના સગાં-સંબંધીઓ બધાં ઘરે દોડી આવ્યા. મરનાર સ્ત્રીને સૌભાગ્યવતીનો શણગાર કરવામાં આવ્યો. તે સિવાય પણ જરૂરી બધી જ વિધિ કરવામાં આવી જે સૌભાગ્યવતી સ્ત્રી મૃત્યુ પામે ત્યારે થતી હોય. પછી સ્મશાન લઈ જવાની વાત આવી ત્યારે તે પુરુષના સગાં વહાલાંઓ કહો કે હિતેચ્છુઓએ તે પુરુષને પત્નીની સ્મશાનયાત્રામાં જોડાવવાની અને અગ્નિદાહ આપવાની ના પાડી. કારણ તો એ જ કે આપણાં રીતરિવાજ. પુરુષે પુનર્લગ્ન કરવા હોય તો પત્નીની અંતિમક્રિયા કરવા માટે સ્મશાન ન જવાય. જે સ્ત્રી સાથે લગ્ન સમયે સાત ફેરા ફરતાં ફરતાં સાત જન્મ સુધી સાથ નિભાવવાના વચન આપ્યા હતા તેને સ્મશાન સુધી પહોંચાડવામાં પણ પોતાનો સ્વાર્થ જોવાય તેને કેવો સંબંધ કેવો? વાત આટલે જ નથી અટકતી. પણ તે પુરુષની ત્રણ બહેનોએ જ પોતાના ભાઈ ને ભાભીને સ્મશાન સુધી પહોંચાડવાની દરેક વિધીથી દૂર રાખ્યો. બસ માત્ર સૌભાગ્યવતીનો શણગાર કરતા હતાં ત્યારે સેંથામાં સિંદૂર પૂરવાનું કામ ભાઈને સોંપવામાં આવ્યું. આને કેવી માનસિકતા કહીશું? પત્નીનું મૃત્યુ થઈ જાય પછી પતિને ફરી લગ્ન કરવાની કોણ ના પાડે છે? પણ સહધર્મચારિણી(?) પ્રત્યે જ આવી નિષ્ઠુરતા? આવા રીત રિવાજ જેમાં માનવીય સંવેદનાનો હ્રાશ થતો હોય તેવા રીતરિવાજને તિલાજંલી આપવાનો સમય આવી જ ગયો છે. પુરુષે ખુદ જ સ્મશાન જવાની ઈચ્છા રાખે તો કોણ ના પાડી શકે? પણ રીતરિવાજના નામે ત્યાં પણ પુરુષનું સ્વાર્થીપણું જ સાબિત થાય છે? પત્ની મરી જતા પુરુષ પુનર્લગ્ન કરે ત્યારે એક વાત સગાં વહાલા ગાઈ વગાડીને બોલતા હોય બિચારો સુખેથી રોટલાં તો પામશે. કેમ જાણે પત્નીનું કામ માત્ર રોટલાં કરવા પૂરતું જ હોય. એક મિત્રએ શેર કરેલી વાત. તેમના નજીકની પિતરાઈ બહેનનું મૃત્યુ થયું. તેમને ત્રણ સંતાન પણ હતા. ત્રણેયની ઉંમર વીસથી વધારે. બેના તો લગ્ન માટે છોકરા-છોકરીઓ જોતા હતા ત્યાં જ માનું મૃત્યુ થયું. હજુ તો પત્નીની ચિતાની રાખ ઠંડી પણ નહતી થઈને પતિ અને ત્રણ સંતાનના પિતાએ તેમના બાળકોને કહી દીધું મને આ રોજ રોજની કડાકૂટ નહીં ફાવે. હું ઑફિસથી આવું ત્યારે ગરમ રોટલી જમવા જોઈએ. સવારે નાસ્તો-ચા પાણી કોણ બનાવે? મને રોજ રોજ મારા રૂમાલ-મોંજા શોધવાનો ટાઈમ ન હોય. એટલે પહેલાં હું લગ્ન કરીશને પછી તમારા બધાંના લગ્ન કરીશ. આ ભાઈ માતા-પિતાના એક માત્ર સંતાન હતા એટલે પૂરા લાડકોડથી મોટા થયા હતા. તેમને દૂધ માંગતા પાણી મળતું હતું. તેમણે લવમેરેજ કર્યા હતા એટલે લગ્ન પછી પણ તેમની પત્નીએ તેમને પૂરતા પ્રમાણમાં સેવા કરી. તેમનો પડ્યો બોલ ઊઠાવ્યો. એટલે હવે પત્ની ગુજરી ગઈ તો પણ તેમને સંતાન પ્રત્યેની જવાબદારી નિભાવવાના બદલે તેમને તેમનો જ સ્વાર્થ દેખાતો હતો. રિપીટ પુનર્લગ્નની ના જ નથી હોતી છેક આવું? એક પિસ્તાલીશ વર્ષની સ્ત્રીના પતિને હાર્ટએટેક આવવાથી ઓચિંતા મોત થયું. તેમના એરેન્જડ મેરેજ હતાં. પતિના અણધાર્યા મોતથી પત્ની હેબતાઈ ગઈ. બે એડલ્ટ બાળકોની મા હોવા છતાં સુંદર-સારા શરીર સૌષ્ઠવને કારણે સુંદર દેખાતી આ સ્ત્રીની ઉંમર રાતોરાત ચાર પાંચ દિવસમાં જાણે વધી ગઈ હોય તેવી દેખાવવા લાગી. મોં પર શોકની કાલિમા અને આંખોની આસપાસ કાળા કુંડાળા. બેસણામાં તેની આંખમાંથી આસું સુકાતા ન હતા. આશ્ર્વાસન આપનાર લોકો કહેતા હતાં કે મન મજબૂત કરીને છોકરાઓને સંભાળી લે જો. તે સ્ત્રી રડતાં રડતાં કહેતી કે આધાતને પચાવવા માટે થોડો સમય જોઈએ છે. મારા છોકરાઓને ઓશિયાળા નહીં રહેવા દઉં. મારા માટે તો હવે મારા છોકરાઓ જ મારું જીવન છે. મારા પતિને મારા દીકરીના લગ્ન કરવાની બહુ હોંશ હતી. મારા દીકરાને તેઓ તેમના ધંધામાં સેટ કરવા ઈચ્છતા હતા. અને તેમની ઈચ્છા હતી કે તેમનો દીકરો તેમના જેવો મોટો બિઝનેસ બને. હું તેમના બન્ને સપના પૂરા કરીશ. ભલે તે માટે મારે ગમે તેટલી મહેનત-મજદૂરી કરવી પડે. હવે મારા જીવનનું એક જ ધ્યેય છે તે તેમના સપના પૂરા કરવા. એવું ક્યું તત્ત્વ છે જે સ્ત્રીને જીવનભર એક પુરુષ સાથે લાગણીના તાંતણે બાંધી રાખે છે? એવા કયા જીન્સ છે સ્ત્રીમાં જે પુરુષમાં નથી? જેથી તે નિંભર કહી શકયા તે રીતે સ્વાર્થી બની જાય છે? કેમ પુરુષ માત્રને માત્ર પોતાનો સ્વાર્થ જ જોવે છે? એવો પ્રેમનો કોઈ તાંતણો નથી જે તેને પત્નીના મૃત્યુ પછી પણ લાગણીથી બાંધી રાખે? કબૂલ ઈતિહાસમાં જ નહીં પણ આજની તવારિખના પાનાઓમાં પણ કેટલાક વીરલા એવાં છે જે પ્રિયતમા કે પત્નીના મૃત્યું પછી શોકમય જીવન ગાળતા હોય. પણ તેમની સંખ્યા અતિ જૂજ. જયારે બીજીબાજુ એવી અસંખ્ય સ્ત્રીઓ જોવા મળે જે પતિના અવસાન પછી પણ સાત ફેરાના વચન નિભાવ્યા કરે. કેમ આપણો ઉછેર એવો નથી હોતો કે બાળક નાનું હોય ત્યારે છોકરો હોય તેની સંવેદનાશીલતા પર કાપ મુકાય જાય છે? શા માટે પુરુષ મોટો થતા જ પોતાની સંવેદનશીલતા ગુમાવી દે છે? એક માત્ર કારણ એ છે કે આપણે છોકરાને તે પુરુષ છે તેવું વારંવાર નાનપણથી હથોડી ઠોકીને મગજના ડેટામાં ફિક્સ કરી દઈએ છીએ. એટલે બાળક નાનું હોય ત્યારથી જ શીખી લે કે તે પુરુષ છે તેના ઘરમાં તેની નાની કે મોટી બહેન છે તેનાથી તે અલગ છે એટલે તેણે આમ કે તેમ જ વર્તવું જોઈએ. પછી આ રૂઢી કે માન્યતા એટલી જડબેસલાક થઈ ગઈ હોય કે તેનામાં મોટા થયા પછી કોઈ બદલાવના ચાન્સ જ ના રહે. એક મિત્રને ત્યાં બેસવા જવાનું થયેલું. ગરમા ગરમ ઢોકળાં બનતા હતા. મિત્રની બે બહેનો સાથે તે ગરમગરમ ઢોકળાંને બરાબર ન્યાય આપી રહ્યાં હતાં. થાળી સીધી જ ટેબલ પર આવતી હતી. ત્યાં તે મિત્રની મમ્મી બીજી પ્લેટમાં ઢોકળાંને વ્યવસ્થિત રીતે કાપી બાજુમાં નાની કટોરીમાં તેલ-મસાલો કોથમીર નાખીને લાવીને તે મારી મિત્રને કહ્યું, જા પપ્પાજી અને ભઈલુંને આપી આવ. એટલે કહેવાય ગયું કે તેમને પણ અહીં બોલાવી લો ને સાથે નાસ્તો કરવાની મજા પડે. ત્યારે મિત્ર બોલી, ના હોં...પપ્પાજીને બધું વ્યવસ્થિત જોઈએ. તેમને આપણી જેમ ના ચાલે. એટલે કહ્યું કે તારા ભાઈને બોલાવી લે. ઘણાં સમયથી તેને મળી નથી. તો સાંભળવા મળ્યું કે ભઈલુંને પણ બધું વ્યવસ્થિત આપવું પડે. તે આમ જ ઢોકળાં ન ખાઈ શકે. મિત્ર કરતાં તેનો ભાઈ પાંચ વર્ષ નાનો હતો પણ તેના માન-પાન જળવાય, કારણ કે તે પુરુષ છે? પછી આ છોકરો મોટો થાય ત્યારે સ્વકેન્દ્રી ન બને તો શું બને? કોઈપણ બદલાવની શરૂઆત તમારાથી જ થવી જોઈએ. તો જ દુનિયા બદલે છે. બાકી કોઈની સલાહ-સૂચનથી કશું બદાલતું નથી. એટલે બેટર છે કે સ્ત્રી દુનિયાને બદલવા કરતાં પોતાને જ બદલે. સરવાળે ફાયદો તેને જ છે તે વાત ન સમજાય તેટલાં મૂર્ખ કયા સુધી બની રહીશું?
Posted on: Sun, 16 Nov 2014 06:59:25 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015