યજ્ઞપુરુષ - TopicsExpress



          

યજ્ઞપુરુષ ચરિતમ ---------------------------- ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે જે મને જેવા ભાવથી ભજે છે, હું પણ તેમને તેવા જ ભાવથી ભજું છું. ભગવાન અને સંત પોતાના ભક્તની ઇચ્છાઓ અને સંકલ્પોની પૂર્તિ કરી તેમની સતત ખેવના કરે છે, પોષણ કરે છે. સ્ટીફન કોવિ પોતાના પુસ્તક Seven Habits of Highly Effective Peopleમાં આને Emoti-onal Bank Account (લાગણીઓનું ખાતું) સાથે સરખાવે છે. એટલે કે તમે જેટલા પ્રમાણમાં સામેની વ્યક્તિની ઇચ્છાઓ પૂરી કરો, તેટલા પ્રમાણમાં વ્યક્તિ તમારા પ્રત્યે ઢળતી હોય છે. શાસ્ત્રીજી મહારાજે પોતાના સાથી હરિભક્તો અને સંતોના મનોરથ પૂરા કરવા માટે કેવું કઠોર વિચરણ કર્યું હતું! રાજકોટના કરસનદાસ હોય કે નડિયાદના રામચંદ્રભાઈ હોય, સાધીના આશાભાઈ હોય કે ભાવનગરના કુબેરભાઈ હોય, એવા એકાદ-બે નહીં, સેંકડો હરિભક્તોનો સમુદાય. એક તરફ મંદિરોનાં નિર્માણનાં કાર્યોમાં હોમાવાનું અને બીજી તરફ હરિભક્તોના આવા વિશાળ સમુદાય માટે જાતને ઘસવાની! પ્રત્યેક પરિવાર સાથે તેમને સાચી આત્મીયતા. ક્યારેક કોઈક મુશ્કેલીમાં હોય અને ક્યારેક કોઈના ઘરે સારો અવસર હોય, તેમાં સૌ શાસ્ત્રીજી મહારાજની ઉપસ્થિતિ ઝંખે. અને તેમને રાજી કરવા શાસ્ત્રીજી મહારાજ કઠોર વિચરણ કરે. મહારાષ્ટ્રમાં ખાનદેશથી લઈને સૌરાષ્ટ્રના છેવાડા સુધીનો એ લાંબો પટ્ટો, અને તેના પર શાસ્ત્રીજી મહારાજનું ગાડે ગાડે વિચરણ ચાલે, તો ક્યારેક રૅલવેમાં થર્ડ ક્લાસમાં ભીડ વચ્ચે ભીંસાતું વિચરણ ચાલે. છેલ્લી અવસ્થામાં શાસ્ત્રીજી મહારાજને બંને પગે વા હતો. ચલાતું પણ નહિ. ઊંચકીને ગાડામાં બેસાડવા પડતા. છતાં ખાનદેશના હરિભક્તો આગ્રહભર્યા આમંત્રણ પત્રોનો જવાબ લખતાં તેમણે જણાવ્યું: ...જો સેજ મટસે, ને પગે ચલાસે, તો જરૂર આવીશ. અકસ્માત થયે નહીં અવાય. તો રાજી રહેશો... સોજિત્રાના પ્રખર જ્યોતિષી ઝવેરભાઈ વિઠ્ઠલભાઈનો દેહ તેમની ગણતરી પ્રમાણે ચૌદશની રાત્રે પડવાનો હતો, પણ બે દિવસ બાદ પડવાને દિવસ શાસ્ત્રીજી મહારાજ પધાર્યા અને કહ્યું : તમે અમારી પાસે અંતકાળે હાજર રહેવાનું વચન માગ્યું હતું, તમારું વચન રાખવા કાળને પાછો ઠેલ્યો. શાસ્ત્રીજી મહારાજનાં દર્શન કર્યા બાદ તેઓ ધામમાં ગયા. વચનામૃત કારિયાણી-૬માં શ્રીજી-મહારાજ કહે છે કે ભક્તો માટે અમે અમારો દેહ કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. શાસ્ત્રીજી મહારાજનું જીવન શ્રીહરિનાં આ વાક્યોનું જાણે પ્રતિબિંબ હતું! હરિભક્તો પ્રત્યેની આવી અભિમુખતા દ્વારા શાસ્ત્રીજી મહારાજે દૃઢ સિદ્ધાંતનિષ્ઠા, કાર્યનિષ્ઠા અને સંસ્થા માટે ફના થઈ જવાની કટિબદ્ધતા જન્માવી હતી. ત્યારે જ તો પોતાના વ્યવહારની ફિકર છોડી ફકીરી વહોરવા તત્પર થયેલા તેમના હરિભક્તોએ કીર્તનોમાં ગાયું છેઃ જુઓ સૌ મોતીના સ્વામી, ન રાખી કાંઈ તે ખામી; અમે સૌ સ્વામીના બાળક, મરીશું સ્વામીને માટે!
Posted on: Fri, 29 Aug 2014 08:18:59 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015