સાંસ લેના ભી કૈસી આદત - TopicsExpress



          

સાંસ લેના ભી કૈસી આદત હૈ મનની મોસમ : અનિલ ચાવડા દરેક સજ્જનને સાત આદતો ચક્રમ જેવી હોય છે. - જાપાનીઝ કહેવત ટેવ એવી ચીજ છે કે જે સહેજ પણ અવાજ કર્યા વિના બૂમો પાડી શકે છે અને આ બૂમ જેને આદત હોય, તેના સિવાય બધાં જ સાંભળી શકતા હોય છે. તેને કોઈ પડછાયો હોતો નથી. તમે ગમે તેટલો પ્રકાશ પાડશો પણ ટેવ પોતાનો પડછાયો નહીં પડવા દે. તે સારી હોય કે ખરાબ પછીની વસ્તુ છે, પણ દરેક વ્યક્તિ સાથે તે જીવની જેમ જોડાયેલી હોય છે. તેનાથી અલગ થવું મુશ્કેલ છે. પ્રેમી પ્રેમિકાથી અલગ થઈ શકે, દીકરો માતા-પિતાથી જુદો પડી જાય, વહાલસોયું સંતાન નોખું થઈ જાય, પણ આદતને દૂર કરવી અઘરી હોય છે. ટેવ આપણને ખબર પણ ન રહે તેમ આપણી પાસે ગુલામી કરાવડાવે છે. તે એવું ઇચ્છે છે કે આપણે તેનું ચૂપચાપ માનતા રહીએ. તે કહે તેમ કરતાં રહીએ. તે પાણીના વહેણ જેવી હોય છે. વચ્ચે પથ્થર આવે તો બાજુમાંથી પાણીને રેલો પસાર થઈ જાય તેમ, જ્યારે આપણી આદતમાં અવરોધ આવે ત્યારે તે પોતાનો બીજો રસ્તો શોધી લે છે. ઓશોએ કહ્યું છે કે તમારે કોઈ વહેમમાંથી બહાર આવવું હોય તો તેનો સૌથી સારો ઉપાય એ છે કે તમે એની કરતાં પણ એક બીજો મોટો વહેમ પાળી લો. વહેમ જ વહેમનો ઇલાજ છે. ટેવનું પણ કંઈક એવું જ છે. જિંદગીને આદત ગણીને ગુલઝારે એક સુંદર કવિતા લખી છે : સાંસ લેના ભી કૈસી આદત હૈ, જિયે જાના ભી ક્યા રવાયત હૈ. કોઈ આહટ નહીં બદન મેં કહીં,કોઈ સાયા નહીં હૈ આંખો મેં પાંવ બેહિસ ચલતે જાતે હૈ. એક સફર હૈ જો બહતા રહતા હૈ. કિતને બરસોં સે કિતની સદિયોં સે. જિયે જાતે હૈ - જિયે જાતે હૈ. આદતેં ભી અજીબ હોતી હૈ. યુગોથી આપણે આમને આમ જ ટેવવશ જીવતાં જઈએ છીએ. જીવવાની ટેવ પણ કેટલી અજીબોગરીબ છે. આપણે જિંદગી નામની આદતને સેવી રહ્યા છીએ. મહત્ત્વનું એ છે કે તેને કઈ રીતે પાળીપોષી રહ્યા છીએ. દુષ્યંતકુમારે લખેલો શેર વાંચવા જેવો છે. પક ગઈ હૈં આદતેં બાતોં સે સર હોગી નહીં, કોઈ હંગામા કરો ઐસે ગુજર હોગી નહીં. દરેક ટેવ ખરાબ નથી હોતી. અમુક અનુસરવા જેવી હોય છે તો અમુક છોડવા જેવી. સ્વભાવ પોતે જ એક ટેવ છે. દરેક માણસનો સ્વભાવ તે કેટલામાં છે તે પારખી આપે છે. સારામાં સારા કહેવાતા માણસોને પણ ખરાબ આદતો હોય છે, જેનાથી એ પોતે પણ અજાણ હોય છે. તો ક્યારેક ખરાબમાં ખરાબ માણસને પણ કોઈ સારી આદત હોઈ શકે છે. આદત જ્યારે ઇચ્છા બની જાય છે, ત્યારે તે તેના માલિકને પણ નથી છોડતી. આદત સામે ઈશ્વર પણ લાચાર છે. ઈશ્વરને જાણે ભક્તિની ટેવ પડી ગઈ છે. કોઈ તેને ભજે તો જ તે પ્રસન્ન થાય. આ તો એક પ્રકારની લાંચ થઈ. ઈશ્વરને પણ તપ કરાવ્યા વિના પ્રસન્ન થવાની ટેવ નથી. જોકે ઈશ્વર પોતે માણસની બહુ જૂની ટેવ છે. માણસને ઈશ્વરને ભજવાની, રોજ તેની પાસે કશુંક માંગવાની અને તેની સામે છાનામાના પોતાના ભિખારીવેડા બતાવવાની આદત છે. કંઈ પણ થાય તો તે ઈશ્વરનું નામ લઈને રડવા માંડે છે. આ ટેવ મોટાભાગના લોકોની છે. નદી કિનારે એક દેડકો અને વીંછી રહેતા હતા. અચાનક નદીમાં પૂર આવ્યું. બંનેએ નક્કી કર્યું કે ચાલો નદીના સામેના કિનારે જતાં રહીએ. વીંછીએ કહ્યું કે મને તો તરતા નથી આવડતું. હું તારી પીઠ પર બેસી જઈશ અને આપણે નદીના સામે કિનારે જતાં રહીશું. સલાહ બંનેને ગમી, પણ તરત જ દેડકાને વિચાર આવ્યો કે વીંછીને તો ડંખ મારવાની ટેવ છે. તેણે ચિંતા વ્યક્ત કરી કે તું અધવચ્ચે મને ડંખ મારશે તો? પણ વીંછીએ તેને ભરોસો આપ્યો કે જો એવું થાય તો હું પણ ડૂબી જાઉં. હું કંઈ ગાંડો થોડો છું કે તને આ રીતે ડંખ મારું? પછી બંનેની યાત્રા શરૂ થઈ. પણ અચાનક નદીમાં વચ્ચોવચ પહોંચ્યા અને વીંછીએ ડંખ માર્યો. દેડકો ડૂબવા લાગ્યો. તેણે પૂછયું કે તેં આવું શું કામ કર્યું, તેં કેમ દગો કર્યો? વીંછીએ કહ્યું, મિત્ર, મેં દગો નથી કર્યો, પણ શું કરું મારાથી રહેવાયું જ નહીં, ખબર જ ન રહી કે ક્યારે તને ડંખ મારી દીધો. આદત સામે બધા લાચાર છે. વીંછીની ડંખ મારવાની આદત સામે આવી જ એક બીજી વાર્તા છે. તમે સાંભળી હશે. ડૂબતાં વીંછીને એક સંત બચાવવા જાય છે, ત્યારે તે સંતને જ ડંખ મારે છે, છતાં સંત તેને બચાવવા મથે. વીંછી ડંખ માર્યા કરે છે. કિનારે ઊભેલા માણસે પૂછયું કે વીંછી ડંખ મારે છે છતાં તમે તેને કેમ બચાવો છો? ત્યારે સંતે જવાબ આપ્યો કે- જો એ વીંછી થઈને ડંખ મારવાની પોતાની ટેવ ન છોડી શકતો હોય તો હું એક સંત થઈને તેને બચાવવાની ટેવ કઈ રીતે છોડી શકું? તળપદી ગુજરાતી ભાષામાં એક કહેવત છે- હેવા પડયા ઈ જાય? anilchavda2010@gmail __._,_.___
Posted on: Fri, 14 Nov 2014 05:57:43 +0000

Recently Viewed Topics




© 2015