My Satirical article: Congratulations, Now you can happily commit - TopicsExpress



          

My Satirical article: Congratulations, Now you can happily commit a Suicide in Mijaj masti syndicated column: મુબારક હો દોસ્તો, આત્મહત્યા મુબારક હો!(મિજાજ મસ્તી ) ટાઇટલ્સ: તેરે ગિરને મેં ભી તેરી હાર નહીં, કે તુ આદમી હૈ, અવતાર નહીં (સાહિર) ચાલો સારું થયું. હાશ, હવે આ દેશમાં આત્મહત્યા એ ગુનો નહીં ગણાય. જોકે આ આત્મહત્યાવાળી વાત આપણને ગુજરાતીઓને લાગુ નથી પડતી કારણ કે આપણે લોકો તો તેલમાં તરતાં શાક ખાઇને ખાઇને છૂપી આત્મહત્યા કરવા ટેવાયેલાં છીએં. લસલસતાં ચોખ્ખાં ઘીમાં જબૂરાયેલી ભારે મીઠાઇઓ ઝાપટી ઝાપટીને હપ્તે હપ્તે આપઘાત કરીએં છીએં. આપણે ગાંઠીયાં જલેબી પેટમાં દબાવીને એની ઉપર રબડીથી પણ મીઠી કડક ચા પીને પછી મોંમાં તમાકુની ફાકી ખાઇને અલગ સ્ટાઇલમાં આત્મહત્યા કરનારી કેરલેસ પ્રજા છીએં.આપણે ગુજરાતીઓ તો આત્મહત્યા કરવા માટે અગર પહાડી પરથી કૂદવા જઇએ તોયે સાથે થેપલાં-ગોળપાપડી બાંધીને નીકળીયે એવાં ખોરાકપ્રિય પ્રાણીઓ છીએં. આપણાં તેલ-ઘી-મરચાંવાળાં સતત અવિરત અનંત નાસ્તાઓ સામે મોત પણ કંટાળીને હારી જતું હોય છે. આ ઉપરાંત આપણી પાસે આપઘાતનાં અનેક તરીકાઓ છે જેને કોઇ પકડી જ ના શકે.આપણે આપણાં બાળકોને અંગ્રેજી મિડીયમમાં ભણાવીને, ખોટું અંગ્રેજી અને ખોટું ગુજરાતી શીખવીને હરખાઇને જીવનારાં અજીબ લોકો છીએં. આપણે તો આખેઆખી ભાષા કે સંસ્કૃતિની સામૂહિક આત્મહત્યા કરવા નીકળ્યાં છીએં.વળી મજાની વાત એ છે કે ગુજરાતી પ્રજાને પાછી ખબર પણ નથી કે એ હળવે હળવે આત્મહત્યા કરી રહી છે !ધ્યાનથી જોશો તો ખબર પડશે કે કદાચ આપણાં ગુજરાતીનું ગરવાપણું સ્લોલી સ્લોલી સ્યુસાઇડ પોઈંટ તરફ જઇ રહ્યું છે, જેમકે.. સાધુસંત બાવા બાપુનાં ખોળામાં મીઠી નીંદર માણતું સાહિત્ય એ શબ્દની આત્મહત્યા છે. આધ્યાત્મિકતા અને કથા કલ્ચરનાં સજદામાં પડેલી. કલમો એ આપણાં સંસ્કાર જગતમાં થઇ રહેલી સૂક્ષ્મ આત્મહત્યા છે. ઉદ્યોગપતિઓ, જમીન સૌદાગરો અને શેરબજારનાં શૂરવીરોને હીરો બનાવી પૂજનારો સમાજ જાણે અજાણે મૂલ્યોની આત્મહત્યા જ કરે છે. સર્વહારા દલિતો, લાચાર ખેડૂતો કે પીડીત પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર માહિતિઓનાં ખડકલાં કરતું પત્રકારત્વ એ ચોથી જાગીરની આત્મહત્યા છે.કેવળ કોમેડી અને સંસ્થાઓ માટે થતાં નાટકો એ કલાકારોની લાચારીભરી આત્મહત્યા છે. કાયદાનાં રખેવાળો અને સરકારોની વારંવાર છૂપી તરફેણો કરતી ડાહી ડાહી કોલમો એ ચિંતનનાં નામે થતી સત્યની આત્મહત્યા છે.અરે, આપણે ત્યાં આત્મહત્યા કયાં કયાં નથી નથી?બિચારી સરકારે તો આત્મહત્યાને ગુના તરીકે આજે રદ્બાતલ કરી પણ આપણે લોકો તો એને ક્યારેય ગુનો ગણતા જ નહોતાં. અનેક રીતે ઇન્સ્ટોલમેંટમાં થતી આપણાં સમાજની આત્મહત્યાને આપણે કયારનીયે લાઇફસ્ટાઇલ બનાવી દીધી છે! અને હા , મુબારક હો આત્મહત્યા હવે ગુનો નથી! ઇન્ટરવલ દો કમઝોર ઇન્સાન એક કામિયાબ ઝિંદગી નહીં બના સકતે (લેખક પોતે-ફિલ્મ ’યેસ બોસ’) રવીન્દ્રનાથ ટાગોરે, ’ગીતાંજલી’ના લખી હોત કે ’રાષ્ટ્રગીત’ ના રચ્યું હોત અને માત્ર એક જ કાવ્ય લખ્યું હોત તો યે અમારી દ્રષ્ટીએ તેઓ મહાકવિ હોત!એ કાવ્ય છે : ’પરાજિતેર ગાન’- અર્થાત્, પરાજીતનું ગીત !વિજયી અને સફળ લોકો પર વારતા, લેખ કે ગીતડાં તો બધાં જ લખે પણ હારેલા માણસ પર ગીત લખે એ જ સાચો ઋષિકવિ કહેવાયને? જી હાં, ટાગોર એટલે ટાગોર છે કે એણે એક હારેલા માણસ પર પણ ગીત બનાવ્યું, આત્મહત્યા પણ કદાચ એક હારેલા માણસનું વિજયગીત જ છે.!પણ આપણે ત્યાં લોકો વિજયી કામયાબ અને માલેતુજાર લોકોનાં જ ડંકા વગાડે છે. ’૨૪ દિવસમાં સફળ બનો’, ’પાંચ મહિનામાં પૈસા કમાવો’, ’એક કલાકમાં આગળ વધો’ ટાઇપની ઇનસ્ટંટ સફળતા આપતી ઇન્સ્પીરેશનલ કિતાબો ચપોચપ લખાય છે અને વેચાય છે. પૈસાપાત્ર પુરૂષની ગરદનમાં જ મોટાંભાગની ગોરી-સુડોળી ક્ધયાઓ વરમાળા પધરાવી દે છે. જેમ જીવવાનાં અનેક કારણો છે એમ મરી જવાનાં પણ અનેક કારણો છે.પ્રેમમાં હારેલાં યુવક- યુવતીઓ આત્મહત્યા કરે છે.અને એનાથી વધુ તો ભણતર-કેરીયરમાં નાસીપાસ થયેલાં ઝેર ઘોળે છે!ભૌતિકવાદી,સફળતાવાંછુ સમાજ જ આવી આત્મહત્યા કરાવે છે. એક નાટક કંપનીમાં અભિનેતા, મૌતનાં દૃશ્યમાં હસતાં હસતાં મરવાનો અભિનય કરવા માંડયો. નાટક પછી નિર્મતાએ વળી પૂછયું કે મરતી વખતે તું હસતો શામાટે હતો? અભિનેતા બોલ્યો, મને મારો ફાલતૂ પગાર યાદ આવી ગયો અને પછી હસવું ના રોકાયું !આત્મહત્યા પણ એક આવો જ એક ક્રૂર જોક છે ! અને ફ્રેંકલી સ્પીકીંગ,જે સમાજ આજે પણ દહેજથી મુક્ત ના હોય, બળાત્કારથી ક્ષુબ્ધ ના હોય, શિક્ષણ-નોકરીથી લઇને હોસ્પીટલો સુધી બધે જ ભ્રષ્ટાચારનાં લ્યૂબ્રીકેટીંગ ઓઇલથી કામકાજ ચાલતું હોય ત્યાં આખરે તો આત્મહત્યાઓ જ થાયને? આપણે લોકો ઇસ્ત્રીટાઇટ સફેદ કપડાં પહેરીને વાતો તો ’અપરિગ્રહ’ અને ’અધ્યાત્મ’ની કરીએ છીએં પણ રાત્રે ઓશીકાં નીચે ફીકસ-ડીપોઝીટ અને શેરસર્ટીફીકેટ મૂકીને સૂઇ જઇએ છીએ.હજીયે ખુલ્લેઆમ ગર્ભમાં છોકરીઓને મારી નાખીએ છીએં.પોલીસથી લઇને આઇ.એ.એસ. ઓફિસર સુધીની પોસ્ટીંગનાં ફીકસ્ડ ભાવ ચાલે છે.કરજ કરીને છ-છ દિવસ લગ્નો કરીએ છીએં.મહાન અભિનેતાઓ ભ્રષ્ટ અને કોમવાદી નેતાઓ સામે રબરબેંડની જેમ વાંકા વળી જાય છે.માણસની ’અંદર’ની ઔકાત એની ’ઉપર’ની કમાણી પરથી મપાય છે.. એવામાં જુવાન માણસ,હારેલ બાપ કે થાકેલ ખેડૂત આત્મહત્યા ના કરે તો શું કરે?હકીકતમાં કોઇએ તો સરકારે ’આત્મહત્યા એ ગુનો નથી’ એમ જાહેર કરીને દેશની નિષ્ફળ સમાજ રચનાનો સ્વીકાર કર્યો છે. કવિલેખીકા વર્જીનીયા વુલ્ફે ભરી જુવાનીમાં પોતાનાં ઓવરકોટમાં પથરાંઓ મૂકીને દરિયાનાં પાણી તરફ ચાલવા માંડી હતી અને ડૂબીને મરી ગઇ! આપણે સૌએ પણ આપણી અંદર અનેક અદૃશ્ય પત્થરો મૂકી રાખ્યાં છે અને અન્યાય-અસમાનતા-અરાજકતાનાં ઉંડા પાણી તરફ ધીમે ધીમે જઇ રહયાં છીએ.થેંકયુ ગવર્મેન્ટહવે જીવવામાં નહિ તો કમસેકમ મરવામાં તો મજા આવશે! એંડ ટાઇટલ્સ ઇવ: દારૂ એ ધીમું ઝેર છે ! આદમ: તો પછી મોટાં પેગ બનાવીને આપ ફટાફટ! Published in Mumbai Samachar, Nav gujrat Samay(ahemdabad), Gujarat Gaurdian (Surat)
Posted on: Sun, 14 Dec 2014 06:39:25 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015