એક અબુધ-ભોળી ગામડીયણ અને - TopicsExpress



          

એક અબુધ-ભોળી ગામડીયણ અને એકલા પ્રોફેસર Kanti Bhatt -શહેરીકરણ પર કટાક્ષ | મહાન ઈટાલિયન લેખક આલ્બર્ટો મોરાવીયાની ટૂંકી દીલચશ્પ વાર્તાનું ગુજરાતીકરણ આજની આ આલ્બર્ટો મોરાવીયાની ટૂંકી વાર્તા ઝવેરચંદ મેઘાણી, રમણલાલ દેસાઈ અને ચુનીલાલ મડીયાને યાદ કરીને તેમને અપર્ણ કરું છું. રોમ શહેરથી દૂર મશહુર ટુરીસ્ટની જગ્યા નામે ચોચારીયા છે. ઉંચા ડુંગરા, લીલી ઝાડી અને ભલાભોળા સ્ત્રી-પુરુષો આજે પણ ચોચારીયાના ગામડે રહે છે. આલ્બર્ટો મોરાવીયાએ આ રળીયામણા પ્રદેશની ભલીભોળી એક ગામડીયણને આ વાર્તાની હીરોઈન બનાવી છે. રોમથી ફક્ત 90 માઈલ દૂર તમે જો આ રળીયમણા પ્રદેશની કન્ડકટેડ ટૂરમાં જશો તો આજે 2014માં ય આ વાર્તાની જે સ્ત્રી પાત્ર છે તેવા જ ભલાભોળા પાત્રો જોવા મળશે. આલ્બર્ટો મોરાવીયાની વાર્તાનું એકદમ ગોહીલવાડી ભાષામાં રૂપાંતર કરી કર્યું છે. ‘પ્રોફેસર પિતાંબરદાસનો પરિચય અમારે ઢોકળામાંથી થયો હતો. અમારી સામેના ત્રણ રૂમના બ્લોકમાં આ વાંઢા પ્રોફેસર રહેવા આવ્યા પછી તેમને ત્યાં કોઈ બૈરૂં ફરક્યું નહીં અને સવાર-સાંજ પ્રોફેસર કોલેજ જાય અને પાછા આવે ત્યારે રૂમનું તાળું ખોલતા. તેથી મારી પત્નીએ અનુમાન ર્ક્યું કે પ્રોફેસર વાંઢા હોવા જોઈએ. આ વાત પાકી કરવા એક દિવસ સાંજે મારી પત્ની અમે રાંધેલા ઢોકળાની ડિશ પ્રોફેસરને આપવા ગઈ. પત્ની પાછી આવી ત્યારે મેં પૂછ્યું, ‘સિંગલ છે કે ડબલ?’ ‘અરે ટેરિબલ છે! મેં પ્રોફેસરને ઢોકળાની ડીશ આપી ત્યારે તે એવી નજરે મને જોઈ રહ્યા કે હું ગભરાઈને ભાગી. કંઈ પૂછવાનો ટાઈમ જ નહીં રહ્યો?’ પત્ની હજી તેનું વાક્ય પૂરું કરે ત્યાં જ પ્રોફેસર ટોકળાની ડીશ હાથમાં લઈને મારે ઘરે આવ્યા કહે: ‘મને એકલા ઢોકળા ભાવતા નથી.’ ‘મારો કહેવાનો ભાવાર્થ એ છે કે મને એકલા એકલા ઢોકળા ભાવતા નથી. મારી એક મૈત્રિણી ઢોકળા બહુ સ્વાદીષ્ટ બનાવતી. તે મારી સામે બેસતી. તલના તેલમાં બોળી બોળીને ઢોકળા મારી ફ્રેન્ડ તેના હાથે જ મારા મોઢામાં વહાલથી મુકતી.’ મારી પત્નીએ કાનમાં કહ્યું, ‘રોયો, બેશરમ લાગે છે.’ પ્રોફેસરે પોતાનું વક્તવ્ય ચાલુ રાખતા કહ્યું, ‘પણ હું તમારી પાસે એવી કોઈ અપેક્ષા નહીં રાખું. તમે (મારી પત્ની) સામે માત્ર બેસશો તોય ચાલશે.’ પણ... પણ... પ્રોફેસર પિતાંબરદાસ બેશરમ નહોતા નિખાલસ હતા. તેમના નિખાલસપણાને કારણે કોઈ નોકર ટકતા નહીં. પ્રોફેસરે એક ભામણ રસોયણને રાખી. તેની પીઠ ખુલી હતી. તેને તાકતાં તાકતાં પ્રોફેસર કંઈક લખી રહ્યા હતા. પછી પ્રોફેસરને ભામણ રસોયણની પીઠ ઉપર ઘણો મેલ દેખાયો એટલે નજીક જઈ પ્રોફેસરે કહ્યું, ‘તમારી પીઠ ઘણી ગંદી છે. સાબુથી નહાતા નથી?’ ઘડીભર તો ભામણ રસોયણ મુંઝાઈ ગઈ. પછી કહ્યું, ‘પ્રોફેસર સાહેબ! ઉતાવળમાં નહાવાનું ક્યાં નિરાંતે બને? ચોળીને નહાવાનો ટેમ જ રહેતો નથી.’ પ્રોફેસરે કહ્યું પણ ઉતાવળ શું કામ કરો છો? તમારે શરીરશાસ્ત્ર સમજવું જોઈએ. તમને જો કબુલ હોય તો તમારી પીઠે હું સાબુ ઘસી દઈશ. તમને શરમ લાગે તો હું આંખો મીંચી જઈશ!’ પરિણામ એ આવ્યું કે કોઈ રસોયણ સાથે પ્રોફેસરને ફાવ્યું નહીં. આખરે પ્રો. પિતાબરદાસે સંકલ્પ ર્ક્યો કે હાથે જ રસોઈ કરવી. રસોઈ કરતાં કરતાં મારી પત્ની સાથે વાતે વળગી જતા. ત્યારે તેની ખીચડી કે શાક દાજી જતા. એક દિ’ મારી પત્ની બટાટાની છાલ ઉતારતી હતી ત્યારે પ્રોફેસર આવી ચઢ્યા. તેણે લગભગ મારી પત્નીને ધમકાવી કાઢી. ‘તમને પોષણ શાસ્ત્રનું ભાન છે કે નહીં? તમે છાલનું વિટામીન કાઢી નાખો છો. મારી પત્નીએ હસવા માંડ્યું. ત્યારે પ્રોફેસર વધુ ચીડાયા પણ તે સમયે જ પ્રોફેસરનાં રસોડામાંથી આગના ભડકા દેખાયા. પ્રોફેસર દોડ્યા તેમણે ચૂલા પર પુરી તળવા માટે તેલ મુકેલું તે તેલ બળીને ભડકો થતું હતું! પછીથી પ્રોફેસરે રસોઈ કરવાનું માંડી વાળી હોટલમાં જમવાનું રાખ્યુ. જ્યારે હોટલનું ખાવાથી પ્રોફેસરને ઝાડા થઈ ગયા ત્યારે પ્રોફેસરે કહ્યું તમારા ઝાંઝમેર ગામની કોઈ અબુધ ગામડીયણ હોય તો તે ગોતી આપો. ત્યારે મેં ઝાંઝમેર મારા ભાઈને લખ્યુ કે, ‘ત્યાંની કોઈ અબુદ કન્યા મોકલે- પ્રોફેસર સારા ચારીત્ર્યના છે.’ આખરે ભાઈએ ગાહીબવાડની અસલી ગામડીયણ છોકરી મોકલી. તેનું નામ ગલકી હતું. ગલકી પ્રથમ મારે ઘરે આવી. તેના હાથમાં પોટકુ હતું મેં પૂછ્યુ ‘એમા શું છે?’ તો ગલકી કહે તમારે માટે દેશી બોરડીના બોર લાવી છું. મેં કહ્યું પ્રોફેસરને પણ આપજે. ત્યારે ગલકી બોલી ‘શું પ્રોફેસરની વાડીમાં બોરડી નથી?’ મેં કહ્યું ગલકી અહીં શહેરમાં બોરડી, ખેતર કે વાડી ન હોય... તારે રસોઈ કરવાની છે. તે ઈતિહાસના પ્રોફેસર છે. મેં ગલકીને અહીં શહેરની વાતો સમજાવી.પ્રોફેસર પાસે ગલકી બોર લઈને ગઈ તુરંત બોલી, ‘લે પ્રોફેસર, બોર ખા. મીઠા છે. તને ભાવશે.’ ગલકીને મેં કાનમાં કહ્યું, ‘પ્રોફેસરને તુંકારે ન બોલાવાય.’ તો ગલકી બોલી ‘એમાં શું થઈ ગયું? હું મારા અદાને તો તુંકારે જ વહાલમાં બોલાવું છું. તો પછી આ પ્રોફેસર તો સાવ અડીયલ ટટ્ટુ છે.’ પ્રોફેસર ઉલટાના ગેલમાં આવી ગયા. ‘અરે ભલે મને તુંકારે બોલાવે’. તું કહે છે એ તો વહાલનું પ્રતિક છે. મને આ ગલકી પસંદ છે!!!’ પ્રોફેસરે ગલકીને પૂછ્યું, ‘તને રસોઈ આવડે છે?’ ગલકી બોલી ‘ના બય ના!’ પ્રોફેસર મુંઝાયા. મેં ગલકીને કહ્યું ‘તું તો કહેતી હતી કે તારા બા-બાપને તું જ રોટલા કરીને જમાડતી! તો ગલકીએ કહ્યું ‘હું ક્યાં ના પાડું છું? મને રોટલા આવડે છે. રસોઈ નથી આવડતી!’ મેં કહ્યું ‘રોટલા એટલે જ રસોઈ અને રસોઈ એટલે રોટલા.’ હું નિરાંતે સૂતો. સવારે જાગીને મેં અને પ્રોફેસરે જોયું તો ગલકી નહોતી. શોધતાં શોધતાં તે શેરીને નાકે એક ખુણામાં સુતી હતી! ગલકીએ કહ્યું કે, મને તમારી બંધીયાર જગ્યામાં ઊંઘ નહોતી આવતી! એક દિવસ ગલકીએ મારી પત્નીને ફરિયાદ કરી કે આ ફોફેસર રોયો ઢોર જેવો છે. ‘રોટલા’ જમતી વખતે તેની સામે બેસવું પડે છે. એક વખત ગલકીએ કહ્યું ‘પ્રોફેસર! તમે શું કામ કરો છો? કામ તો અમે કરીએ છીએ. શાક લેવા જવું, ઠામડા ઉટકવા, લૂંગડા ધોવા, વાસિંદુ કરવું, ... રોજ રોજ આ ચોપડીયું હારે બાથેડા લો છો. એ તે કંઈ કામ કહેવાય?’ નવાઈની વાત હતી કે પ્રોફેસરને ગલકીના આવા સંવાદથી ચીડાવાને બદલે મજા પડતી હતી. એક દિવસ મેં ગલકીને ઘણા વખત પછી પાડોશીના ડ્રાઈવર હસનીયા સાથે ઊંચી એડીવાળા સેન્ડલ સાથે જોઈ. ત્યારે જાણવા મળ્યું કે પ્રોફેસર કોલેજમાં જાય ત્યારે હસનીયો ગલકી સાથે રોમાન્સ કરતો હતો. મેં ગલકીને સમજાવી કે, તે સારો માણસ નથી? તો ગલકી કહે શું હસનીયા પાસે મોટરગાડી છે તોય સારો માણસ નથી? એક દિવસે ગલકીના ગલકીવેડાની પરાકાષ્ટા પહોંચી. પ્રોફેસરે ફરિયાદ કરી કે તેના ઈતિહાસના પાંચ મૂલ્યવાન પુસ્તકો મળતા નથી. ત્યારે ખબર પડી કે એ પુસ્તકો ગલકીએ પસ્તીમાં વેચી દીધા છે! ગલકીએ કહ્યું કે, ઈ ચોપડીયું ધૂળ ખાતી હતી એટલે મેં વેચી દીધી! ....અને એક દિવસ ગલકી એમ કહીને પાછી ગામડે ભાગી ગઈ. કહેતી ગઈ ‘તમે શેર’ના માણસ અબુધ અને ગમાર છો. તમે મારે ગામડે આવો તમને કોઈ કામે રાખે નહીં.
Posted on: Tue, 06 Jan 2015 06:53:57 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015