લોખંડી મનોબળ - TopicsExpress



          

લોખંડી મનોબળ કેળવો આરોગ્ય સુધા - મંજરી ઉપાધ્યાય આપણા દેશને આઝાદ કરવામાં મહત્તમ પ્રદાન મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી હસ્તીઓનું રહ્યું છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. મહાત્માજીના આધ્યાત્મિક મનોબળને પ્રતાપે દેશ આઝાદ થયો. આઝાદી મળ્યા પછી દેશના સર્વપ્રથમ ગૃહ ખાતાના પ્રધાન સરદાર પટેલના વ્યાવહારિક મનોબળને પ્રતાપે નાનાં નાનાં રજવાડાં ભારત સાથે ભળી ગયાં તે સમયે કાશ્મીરની સમસ્યા સળગતી હતી, પણ સરદાર પટેલ તો કાશ્મીર ઊપડી ગયા અને કાશ્મીરને ભારતનો એક ભાગ બનાવીને જ જંપ્યા હતા. આપણા દેશનો ભૌગોલિક નકશો મનોરમ્ય બની ગયો તે સરદારના પ્રતાપે બની રહ્યો. એટલે જ તો ગાંધીજીના નામની આગળ ‘મહાત્મા’ સરદાર પટેલને ‘લોહ પુરુષ’ તરીકેનું હુલામણું બિરુદ લોકોએ જ સ્વયંભૂ પ્રદાન કર્યું છે. જો કે અન્ય નેતાઓનું પ્રદાન પણ રહ્યું છે. ખેર, વાત જ્યારે મનોબળની હોય ત્યારે આ બંને પ્રકારનું મનોબળ પુરુષ કેળવી શકે તો જીવનમાં સફળતાનાં સોપાન સર કરી જ શકે. આપણા સમાજમાં પુરુષોને રોજબરોજના જીવનમાં સહેવી પડતી તાણને કારણે અનેક માનસિક તકલીફનો સામનો કરવો પડતો હોય છે. પેલો એક ડાયલોગ યાદ છે કે ‘મર્દ કો દર્દ નહીં હોતા’. એ વાતમાં તથ્ય નથી. ઘણાં એવું માને છે કે પુરુષે પોતાની લાગણી છુપાવી રાખવી જોઈએ. આમ કરવાથી લાંબા ગાળે તેમની માનસિકતા પર અસર થવાનો સંભવ છે. ઘણા પુરુષને મર્દાના લાગવું ગમે છે. અરે ભલા માણસ શરીર સૌષ્ઠવ સારું હોય અને સારાં વસ્ત્રો પહેરો એટલે તમારો મર્દાના લૂક તો લાગવાનો જ ને. એક રીતે જોઈએ તો ‘મેન્લી’ લાગવાની જેટલી વધુ કોશિશ કરશો તેટલી તમારા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરશે. પહેલી વાત એ કે આ વાતે જ પુરુષના મનમાં ભારે તાણ પેદા થાય છે. કારણકે આવું કરનારના મનમાં સર્વશક્તિમાન જેવી સ્થિતિએ પહોંચવા છૂપી ઈચ્છા હોય છે. ખરું જોતાં આવી પરિસ્થિતિથી વાસ્તવિકતા સો ગાઉ દૂર છે. આવી માનસિકતા ધરાવતા જે કંઈ પણ કરે તેઓ આદર્શ સુધી પહોંચવામાં ઊણા ઊતરે છે. આને પરિણામે તેઓ નિરાશાથી ઘેરાઈ જતા હોય છે અને પછી આશા-નિરાશામાં પલટાઈ ગઈ હવે શું કરું અને શું નહીં જેવા વિચારમાં અટવાયા કરે છે. નિરાશા, તાણ, મૂડ ખરાબ થવો ઉદાસ થઈ જવું જેવી લાગણી અનુભવતો પુરુષ આગળ કશું વિચારી નથી શકતો. તે ખુલ્લા દિલે માતા કે નજીકના મિત્ર સાથે વાત નથી કરતો કારણ કે એને એક છુપો ડર સતાવે છે કે આવું કરવા જતાં ક્યાં મિત્ર કે માતા તેને પોચકો ન કહે. આ કારણે પુરુષ પોતાની લાગણી ભાવનાનો સ્વીકાર કરતા નથી. આવા લોકો એ જાણતા નથી કે લાગણી કે ભાવના જેટલી મનમાં દબાવી દેવામાં આવે તે કોઈને કોઈ સમયે એક સ્પ્રિંગની જેમ ઉછળીને બહાર આવતી જ હોય છે. આવી માનસિક તાણને પરિણામે વ્યક્તિ ક્યાં તો હિંસક બની જાય છે અથવા તેને વ્યસનનું વળગણ લાગી જાય છે. જેથી લાંબા ગાળે તેની તબિયત પર ખરાબ અસર થાય છે. આમ કરવાને બદલે પોતાની લાગણી પરિવારના સભ્ય સમક્ષ વ્યકત કરી દેવાથી મન હળવું થવા ઉપરાંત તમને સતાવતી સમસ્યાનો ઉપાય પણ મળી આવે. ----- બાળપણ છોકરાને બાળપણથી જ મજબૂત મન રાખવાનું કહેવામાં આવે છે. એક સાધારણ દાખલો જોઈએ તો કોઈ છોકરાને રમતાં રમતાં વાગે અને લોહી નીકળતાં તે રડે તો તેની માતા કહેશે કે થોડું લોહી નીકળ્યું એટલામાં આટલો રડે છે સાવ પોચકો છે. આવું કહેનાર માતાને ખબર નથી હોતી કે તે તેના પુત્ર પર બચપણથી પોતાની ભાવના દબાવવાનું કહીને તેનું નુકસાન નોતરી રહી છે. સમજુ માતા હોય તો બાળકને શાંત પાડવા પાણી પીવડાવીને કહેશે કે કંઈ વાંધો નહીં લાવ તને બેન્ડેજ લગાવી આપું. બીજી વખત રમતી વખતે ધ્યાન રાખજે. આવું કહેનાર માતા પોતાના પુત્રના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહી છે. જેથી ભવિષ્યમાં પુત્રની માનસિક તંદુરસ્તી જળવાઈ રહે. માનસિક તંદુરસ્તીની વાત આવે ત્યારે એની સાથે છોકરાની સંવેદનશીલતા સંકળાયેલી હોય છે. છોકરાની ઉંમર નાની હોય ત્યારથી તેનો મૂડ બદલાતો રહેતો હોય છે. માતા-પિતાએ પોતાના છોકરાના મૂડને પારખીને તેને ભાવનાત્મક ટેકો આપવો જોઈએ. જો એમ કરવામાં ન આવે તો છોકરો કિશોરાવસ્થા અને યુવાનીના સંધિકાળમાં પ્રવેશે ત્યારે વાતવાતમાં તેનો મૂડ ઑફફ જ રહેવા લાગે છે. તે ચીડિયો બની જાય છે. માતાપિતા જે કંઈ કહે તેનાથી ઊલટું જ કરે છે. ઘણીવાર ગુસ્સામાં આવી જઈ બીજા સાથે મારામારી પણ કરી બેસે છે. યુવાવસ્થા યુવાવસ્થામાં તેને સામાજિક સંપર્ક કરતી વખતે મુશ્કેલી ઊભી થવાનો ડર લાગતો હોય છે. એક સર્વેક્ષણના અહેવાલ પ્રમાણે કૉલેજિયનોમાં એકલા રહેવું, કુપ્રવૃત્તિનો વિચાર આવવો, રૂઢિવાદી વિચારધારા સામે આક્રોશ, સ્વભાવ આક્રમક બની જવો વગેરે તકલીફ ઊભી થતાં તેનો ત્વરિત ઉપાય કરવાની જરૂર છે. કોલેજિયનો ઉત્સાહ અને ઉમંગથી થનગનતા હોય છે. તેને નિતનવા પડકારોનો સામનો કરવાનું અને કંઈ કરી બતાવવાનું મન થાય છે. તેનામાં આત્મવિશ્ર્વાસ કેળવાતાં તે બહારની દુનિયા સાથે સંપર્ક વધારવાનો પ્રયાસ કરતો હોય છે. એવામાં માતા-પિતા તેના પર દબાણ લાવે કે આમ જ કરવાનું તેમ નહીં કરવાનું વગેરે પોતાની માન્યતા તેના પર ઠોકી બેસાડવાનો પ્રયાસ કરે તો તેનું મન વિદ્રોહ પોકારે છે. એવી પરિસ્થિતિમાં તેના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડતી હોય છે. ક્યારેક ક્યારેક કેટલાક પોતાની સંવેદના, પુરષત્વની ખોજ કરવા જોખમી બને રહે તેવા સંબંધ જોડે છે. દવાનો હાનિકારક ઉપયોગ અને તેનો પ્રયોગ તો હવે સામાન્ય બની ગયું છે. આના પરિણામે પારિવારિક સંબંધો, શિક્ષણ, કારકિર્દી અને તેના પોતા પર એક પ્રકારની નકારાત્મક અસર પડતી હોય છે. તે કારકિર્દી અપનાવવાની અને વિકસાવવાની બાબતે માનસિક તાણ અનુભવે છે. તે સ્થિર અને વધુ વળતર મળે તેવી નોકરી ખોળવાના પ્રયાસમાં પોતાની રુચિવાળા ક્ષેત્રને છોડીને મુખ્ય પ્રવાહની કારકિર્દીમાં ફિટ થવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. એમાં થાય છે એવું કે તેમને સંતોષ નથી થતો. પર્ફોર્મન્સ પર અસર પડતાં તેમનું મન અશાંત રહે છે. એની અસર લાંબા ગાળે પારિવારિક સબંધો પર પડતી હોય છે. એવું જોવા મળે છે કે ઘણાંને કોઈ નવાને મળે ત્યારે બહુ વાતો કરવાની ટેવ હોય છે. ખાસ કરીને સામે કોઈ યુવતી હોય તો યુવાન બોલ્યા જ કરે છે. એ જરૂરી નથી કે સામેની વ્યક્તિને તમારી બધી વાતો એક જ મુલાકાતમાં જણાવી દેવાની. એમ કરવાને બદલે સામેની વ્યક્તિને બોલવા દો અને પોતે સાંભળો એ ઉત્તમ છે. સામેની વ્યક્તિ કોઈ સવાલ કરે તો તેનો ટૂંકમાં સંતોષકારક જવાબ આપવો સારો જેથી વધુ ટેન્શન ન રહે. ઓછું બોલવાની ટેવ કેળવશો તો મન પર તાણ નહીં રહે. ઑફિસેથી ઘરે પહોંચ્યા પછી ફ્રેશ થાવ. પછી પત્ની અથવા માતાપિતા સાથે અવનવી વાતો કરવાથી મન હળવું થશે. પત્ની કચકચ કરતી હોય તો થોડો સમય ખુલ્લી હવામાં લટાર મારો. રોજ પ્રાણાયામ કરો. ખોટા અથવા આડાઅવળા વિચારમાં રત રહેવાને બદલે તકલીફનો સામનો કરવાનો આવે ત્યારે તેનો ઉકેલ શોધવાની કોશિશ કરો ઉકેલ મળી જતાં એનો અમલ કરો. પછી જુઓ હળવાશ અનુભવશો. વર્ષમાં થોડા દિવસ રજા લઈને હિલ સ્ટેશને ફરવા જાવ. ત્યાં માત્ર અને માત્ર કુદરતનું સાનિધ્ય માણો. હિલ સ્ટેશનની હવા ફેફસાંમાં જતાં તાજગી અનુભવશો. ફરવા જાવ ત્યારે બીજા બધા વિચારોને તિલાંજલિ આપો. માત્ર અને માત્ર વર્તમાનને સર્વાંશે માણ્યા પછી જુઓ કે કેટલી રાહત અનુભવો છો. આ અને આવી બાબતોને ધ્યાનમાં લેશો તો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બરકરાર રહેશે. __._,_.___
Posted on: Thu, 08 Jan 2015 07:45:41 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015